હું બહુ ખુશ છું, કદાચ.

Standard

હજી વિદાયના મુહર્તને વાર છે ત્યાં કાશ આ સમય અહીં જ થંભી જાય તો કેવું સારું. મમ્મી અત્યાર સુધી તો હું બહુ ખુશ હતી નવી દુનિયામાં જાવા માટે પણ મમ્મી તારા વિના ત્યાં કેમ ચાલશે. માં ક્યારેક તું મને જુનવાણી લાગતી, ભાઈ પ્રત્યેની તારી તરફદારી મને બહુ અકળાવતી, તારો ગૂસ્સો મને હાસ્યસ્પદ લાગતો, તારી સાથે મને થોડી વાર બહાર જવામાં પણ કંટાળો આવતો. પણ માં તને સાવ છોડીને જવું પડશે એવું તો ક્યારેય વિચાર્યું જ ન હતું. હા તારી સાડી પહેરીને એક વખત વહુ બનવાની કોશિષ કરી હતી પણ માં આ સમય ને આટલો નજીક થી ક્યારેય જોયો ન હતો. મેં પણ ઘણું લખ્યું છે દીકરી વિષે કે દીકરી તો પારકી થાપણ કહેવાય ને એને તો સાસરે જવું જ પડે પણ હું ખુદ પારકી થાપણ છું એ તો આજે આજે અનુભવાય છે. પપ્પા તમે તો ક્યારેય મને એક દિવસ પણ ક્યાંય દૂર ન જવા દેતા. ક્યારેક પૈસા, ક્યારેક સંજોગો તો ક્યારેક સમાજ નો દર બતાવીને પણ તમે મને તમારી આગોસમાં જ રાખતા. ખબર નહિ આજે કેમ તમારા આ કાળજાના કટકા ને ગોળ-ધાણા ખાઈ ને વળાવી રહ્યા છો! હા મને ખબર છે કે દીકરીના બાપ હોવાના નાતે તમારે હૃદય પર પથ્થર મૂકીને પણ મને વિદાય આપવી જ પડશે, પણ પપ્પા તમને છોડી ને જવા માટે મારે મારા હૃદય પર શું મુકવું પડશે. મમ્મી તો તમારી સામે રડીને મન હળવું કરી લેશે પણ પપ્પા મને તો તમારી ચિંતા થાય છે, હવે તમારી આંખોને કોણ વાંચશે? આજે પણ કૈક બહાનું આપીને રોકી લ્યો ને. એક વખત કહો ને કે બેટા તારા વિના નહિ ચાલે રોકાઈ જા ને. પપ્પા તમે મારા ભવિષ્યનો વિચાર કરી ને જ મને મોકલો છો મને ખબર છે, હું ત્યાં બહુ જ ખુશ રહી સ્કુલ એવું જ ઘર તમે શોધ્યું છે. પણ પપ્પા હું આ ઘર ના બહુ ખુશ છું જ. મારે વધારે ખુશી નથી જોઈતી. બસ પપ્પા એક વિનંતી છે કે હમણાં વિદાયનો સમય થાય ને ત્યારે તમે રડતા નહિ મને હસતા હસતા વાળાવજો હો ને. અને હા મારા ગયા પછી તમારી એકલતાનો ગુસ્સો ઘરમાં કોઈ ઉપર નહિ ઉતારતા. ભાઈ ઉપર તો સાવ નહિ. હમણાં થોડા દિવસ પહેલા તો એ મને ચિડાવતો હતો કે હાશ હવે તું જતી રહીશ પછી ઘરમાં મારુ જ રાજ ચાલશે. મને એ પણ ખબર છે કે પછી એ ગાંડો ખુબ રડ્યો હતો. એ મારી બહુ ચિંતા કરે છે એને કહેજો કે મને તો દૂધમાં સાકર ભળે એમ બધે ભળી જવાની આદત છે. અને હું જાવ છું એ ઘર પણ આપણાંથી ક્યાં અજાણ્યું છે. હું અવારનવાર ત્યાં જાવ છું એટલે મને હવે સારો એવો પરિચય થઇ ગયો છે. એટલે મારી ચિંતા ના કરતા. હું આ બધું કોને સમજાવું છું તમને કે મારી જાત ને. ખેર હું સાવ ખોટી ચિંતા કરું છું. ત્યાં મારા સ્વપનનો રાજકુમાર છે ને. તમારી યાદ આવશે ત્યારે મને રડવા માટે એનો ખભો મળી જશે ને તો પણ હું મારી જાતને બહુ નસીબદાર માનીશ. જે ક્ષણોની માત્ર કલ્પના જ કરી હતી એ ક્ષણો બહુ નજીક છે હવે. હું બહુ ખુશ છું કદાચ. કાલથી તો હું આ પરિવાર ની વહુ બની જઈશ અને મારા રાજકુમારની રાણી. એ વિચાર માત્રથી હું ખુશ છું કે કાલ સુધી હું કોઈ ની દીકરી હતી હવે ક્યારેક મારી દીકરી હશે. હા પણ મારી માં નહિ હોય. મારી સાથે કાયમ મારી છત્ર-છાયાની જેમ મારા પતિ હશે, પણ પપ્પા. પપ્પા તમને યાદ છે હું નાની હતી ત્યારે મેં તમને પૂછ્યું હતુંકે દીકરીઓને જ કેમ સાસરે મોકલાય?  ત્યારે મમ્મીએ જવાબ આપ્યો હતો કે પારખા તો સુવર્ણના જ થાય. હું જાવ છું પપ્પા. તમેને જયારે પણ મારી  યાદ આવે ત્યારે મને ફોન કરજો, ના ના હું ફ્રિ થઇ ને તમને ફોન કરીશ. આજે રાતે વરસાદ આવશે. મારી માનોવ્યથા સાંભળીને આકાશ રાતભાર રડશે. અને સવારે વાવણી થયા ની ખુશીમાં ખેડૂતોના ઘરે અને મારા આવ્યાની ખુશીમાં મારી ઘરે લાપશીના આંધણ મુકાશે. મારા પપ્પાને પણ લાપસી બહુ ભાવે છે. એ ઘરે કાલે શું બનવાનું હશે?

Advertisements

આંખનું ચોમાસુ

Standard

હમણાં થોડા દિવસ પહેલા સાંજે 5-6 વાગ્યાની આસપાસ અચાનક વરસાદ આવ્યો..  મેં મહિનાના તાપમાં તપેલી ધરતી ને ઉજ્જડ વૃક્ષો ને સુમસામ ડામર ની સડકો, અને અચાનક આવેલો વરસાદ.. પરદેશ ગયેલો પિયુ કઈ જાણ કર્યા વિના અચાનક આવી જાય ને પ્રિયતમાના હૃદયમાં જે લાગણીઓનો કુમ્ભમેળો ભરાયને એવું જ કૈક લાગતું હતું..
મે મહિનામાં વરસાદ એટલે આમ તો કમોસમી કહેવાય. હવામાનખાતા  વાળા કમોસમી કહે અને બીજા બધા માવઠુ કહે પણ આપણે તો વરસાદ આવે ને  એટલે ચોમાસુ…ને એમાં પણ મને બે ચોમાસા બહુ ગમે.. એક આભનું ચોમાસુ અને એક આંખનું ચોમાસુ…આભનું ચોમાસુ તો હજી થોડી રાહ જોવડાવસે પણ આજે મારે યાદ કરવું છે આંખના ચોમાસાને..
આંખનું ચોમાસુ મોસમ જોઈ ને ના આવે પણ અચાનક આવી ને મોસમ બદલી નાખે. હોસ્પિટલની નીરવ શાંતિમાં અચાનક સંભડાયેલો બાળકના રુદનનો અવાજ, આસપાસમાં માં ન દેખાતા નાનકડા શિશુના હૃદયમથી નીકળેલો પડકાર, પોલીસ અંકલને જોઈ ને 3-4 વર્ષની બાળકીની મુખાકૃતિ, પરદેસ ગયેલા દીકરાના પત્ર ને છાતી સરસો ચાંપતી માની ભીની પાંપણો, કન્યાવિદાય સમયે સહજતાથી આંખમાં ઘસી આવેલી મૂક લાગણીઓ, પ્રિય વ્યક્તિ ને આંખ સામે જોઈ ને આંખમાં ઉપસી આવતા પ્રેમ અને લાગણીના બુંદો, કોઈ કેમ છો પૂછે ત્યારે મજામાં એમ કહીને પછી ઝાકળવાળી થઇ જતી કીકીઓ, અમુક સ્થળેથી નીકળતી વખતે હૃદયમાં ઝંઝાવાત ફેલાવી જતી વાચાળ યાદો, પોતાના કોઈ દૂર જતા રહે તયારે હૃદયમાંથી નીકળતા મૌન ડુસકાઓ અને વાર-તહેવારે ચહેરાની લાવણ્યતા વધારવા આંખોએ બંધાય જતા ખુશીઓના તોરણો…. એટલે અમારે મન આંખોનું ચોમાસુ…

અને મેં સાંભળેલા આ બે શેર..

જીંદગીની દરેક પળ સરખી નથી હોતી
સમુદ્રમાં રોજ ભરતી નથી હોતી
મિલન અને જુદાઈ પ્રસંગ છે જીંદગીનો
જેમા આંસુઓની કિમંત સરખી નથી હોતી..

આંસુ પાણી છે, એવું કોઈએ કહ્યું ત્યારે મને લાગી આવ્યું….

કોઈના હૈયાની આગ, વરાળ બની
આંખોના આકાશમાં ગાજવીજ સાથે તૂટી પડે
તો એને આગ કહેવું કે પાણી ?

પ્રેમ..

Standard

“હું તને ચાહું છું, તું…?”

“હજી તો હું શ્વેત છું, હમણાં વસંત આવશે અને લાલઘુમ લાવણ્યપૂર્ણ બની જઈશ પછી વિચારીશ”

એટલે એ નાનકડી પ્રેમમાધુરી સમી ચકલી એ સફેદ ગુલાબની આસપાસ મંડરાવા લાગી કાંટાઓની પરવા કર્યા વિના…

થોડી જ વારમાં જાણે ચમનમાં ભરબપોરે વસંત આવી, કોયલના ટહુકા અને કાબરના કૈકારવથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. ગુલાબની ધવલ પાંખડીઓ કંકુવર્ણી થઈ ગઈ…

“હું પણ તને ચાહું છું.”

આ શબ્દો આખા ચમનમાં ગૂંજી ઉઠ્યા… ત્યાં જ ચકલી નીચે લીલા ઘાસમાં ફસડાઈ પડી.. ગુલાબ કંકુવર્ણું નહીં પણ…. ચકલીના રક્તથી રક્તરંજીત થઈ ગયું હતું અને કાંટાઓ પણ…

કોયલને કંઈક કહેવું હતું ..

Standard

કોયલને કંઈક કહેવું હતું –

એક કોયલ આવી અને મારા ફળીયામાં ઉડવા લાગી, ઝાડ તો ન મળ્યું એટલે મારી સાઈકલના અરીસા પર બેઠી, મેં એની સામે જોયું, એ કશું ક કહેવા માંગતી હતી…

પણ સવારમાં નશાની બાબતમાં ચાલતી રકઝક, મારા પિતાશ્રીની લાલઘુમ જ્વલનશીલ આંખો, બહાર નીકળવાની સંમતિ માંગતા આંસુઓથી ઘેરાયેલી માની આંખ, કાળજીના અભાવે નળમાંથી ટપકતા પાણીનો અવાજ, હમણાં કંઈક થશે એવા ભાવથી ખરડાયેલો ભાઈનો ચહેરો, ડરતા ડરતા આવતો પવન, દૂર દૂર મંદિરમાંથી આવી અને મારા ઘરમાં પ્રવેશી બિહામણો બની જતો ઘંટારવ, ક્યારેક સ્મશાનવત શાંતિ તો બીજી જ ઘડીએ અમે પાળેલી ગરીબાઈનું હ્રદયદ્રાવક રૂદન…

કોયલ ઉડીને દૂર જતી રહી, આજે કોયલને કંઈક કહેવું હતું પણ…

Microfiction Stoies

Standard

૧. બોલો પપ્પા

“હલો, હા પપ્પા… મજામાં? .. અહીં હોસ્ટેલમાં શું વાંધો હોય? … હા જમી લીધું હોં.. તમે દવા લઈ લીધી? … ભૂલ્યા વગર લઈ લેજો હોં… મમ્મી શું કરે છે? …. તમારે પણ જવાય ને મંદીરે.. ! મમ્મી કહેતી હતી કે કાલે તો તમને બહુ તાવ હતો.. તો વાંધો નહીં.. ના પપ્પા, હમણાં તો કોલેજ ચાલુ છે… પછી આવીશ… ના ના, પૈસાની કાંઈ જરૂર નથી… સારું તો હવે ફોન મૂકું?”

ખબર નહીં કેમ, પણ ઘણું બધું કહેવું હોય તો ય રોજ પપ્પાને આટલું જ કહી શકું છું, ચાર વર્ષ પછી પણ… રોજ આંખ ભીંજાય જાય છે.

૨. વૃદ્ધાશ્રમ

“ડેડી, આજે અમને સ્કૂલમાં એક ગીત શીખવ્યુંં.. ભુલો ભલે બીજુ બધું, મા બાપને ભુલશો નહીં – અને છે ને ડેડી, મારા…”

આને મને મારી મા યાદ આવી ગઈ, એને કાંઈ તકલીફ તો નહીં હોય ને!… ના ના, આજના વૃદ્ધાશ્રમો બધી જરૂરીયાતો પૂરી થાય જ છે.. થતી જ હશે ને.…